FoodLife Style

ICMR Report: ભારતીયો જરૂર કરતાં વધારે અનાજ અને ઓછું પ્રોટીન ખાઈ રહ્યા છે

“પેટ તો ભરાઈ જાય છે… પરંતુ શું શરીરને પૂરતું પોષણ મળે છે?”

ભારતમાં ભોજનનો અર્થ મોટાભાગે રોટલી, દાળ, ભાત અને શાકથી ભરેલી થાળી માનવામાં આવે છે. ઘણા લોકો માટે જ્યાં સુધી પેટ સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ભોજન અધૂરું લાગે છે. પરંતુ હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની નવી સ્ટડીએ દેશની ખાવા-પીવાની આદતોને લઈને ચોંકાવનારી હકીકત સામે મૂકી છે.

ICMRની સ્ટડીમાં શું સામે આવ્યું?

ICMRની ગાઇડલાઇન આધારિત આ સ્ટડી મુજબ, ભારતના મોટા ભાગના લોકો જરૂરિયાત કરતાં ઘણું વધારે અનાજ ખાઈ રહ્યા છે. જ્યારે શરીર માટે અત્યંત જરૂરી એવા પ્રોટીન, દાળ, કઠોળ, લીલા શાકભાજી અને ફળોનું સેવન ખૂબ ઓછું થઈ ગયું છે.

રિપોર્ટ અનુસાર, એક વ્યક્તિને મહિનામાં સરેરાશ 7.5 કિલો અનાજની જરૂર હોય છે. પરંતુ દેશના ઘણા રાજ્યોમાં લોકો 10થી 11 કિલો સુધી અનાજનું સેવન કરી રહ્યા છે.

ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ત્રિપુરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોખા અને ઘઉંનો વપરાશ સૌથી વધુ નોંધાયો છે.

શાકભાજી અને પ્રોટીનમાં મોટી ઉણપ

બીજી તરફ, શરીરને જરૂરી પોષણ આપતા શાકભાજી અને ફળોનું સેવન ગંભીર રીતે ઓછું જોવા મળ્યું છે.

ICMR અનુસાર દરેક વ્યક્તિએ દર મહિને લગભગ 12 કિલો શાકભાજી ખાવું જોઈએ. પરંતુ સૌથી વધુ શાકભાજી વપરાશ ધરાવતા છત્તીસગઢ રાજ્યમાં પણ આ આંકડો 6.7 થી 8.3 કિલો વચ્ચે જ રહ્યો છે.

આ ઉપરાંત પ્રોટીનની ઉણપ પણ ચિંતાજનક બની રહી છે. શાકાહારી લોકો માટે દાળ અને કઠોળ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ મોટાભાગના લોકો પૂરતી દાળનું સેવન કરતા નથી.

કેમ વધી રહી છે સમસ્યા?

નિષ્ણાતો માને છે કે આજની ઝડપી જીવનશૈલી આ સમસ્યાનું મુખ્ય કારણ છે. લોકો ઝડપથી તૈયાર થઈ જાય અને પેટ ભરાઈ જાય એવો ખોરાક પસંદ કરી રહ્યા છે.

બહારનું ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને અનિયમિત ખાવાની ટેવ શરીરને જરૂરી પોષણથી દૂર લઈ જઈ રહી છે.

પરિણામે, સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓ હવે નાની ઉંમરમાં જ જોવા મળી રહી છે.

સંતુલિત આહાર કેમ જરૂરી છે?

આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પેટ ભરાવું જ સારા સ્વાસ્થ્યની નિશાની નથી.

સાચું સ્વાસ્થ્ય ત્યારે મળે જ્યારે આપણી થાળીમાં અનાજ સાથે પૂરતું પ્રોટીન, દાળ, લીલા શાકભાજી, મોસમી ફળો અને દૂધ જેવી પોષક વસ્તુઓનું સંતુલન હોય.

આજના સમયમાં “બેલન્સ ડાયેટ” માત્ર એક સલાહ નહીં પરંતુ સ્વસ્થ જીવન માટેની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

નોંધ: જો તમે માત્ર પેટ ભરાવવા માટે ખાઈ રહ્યા છો તો કદાચ શરીરને જરૂરી પોષણ નથી મળી રહ્યું. આજથી જ તમારી થાળીમાં દાળ, શાકભાજી, ફળો અને પ્રોટીનનો સમાવેશ વધારવો જરૂરી છે.

સ્વસ્થ જીવન માટે “Balanced Diet” હવે એક વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button