CrimeGujaratSports

ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યું

અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ ઓપરેશન શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં શનિવારે વહેલી સવારે પોલસ વિભાગની ટીમો દ્વારા દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં અટકાયતમાં લેવાયેલા 400 લોકોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લઇ જવાયાની વિગતો મળી રહી છે.  

આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં 6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 890 શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. 

સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડા, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાખે વીડિયો કોન્ફરન્સ યોજીને અભિયાનના સઘન બનાવવા બાંગ્લાદેશઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી બાજું શનિવારે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી અભિયાનની વિસ્તૃત વિગત આપી હતી. 

આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવેલ લોકોની ઝીણવટપૂર્વક તપાસ અને પૂછપરછ કરવામાં આવશે તેમની પાસે ભારતમાં રહેવાના પૂરતા કાગળ ની પણ તપાસ કરવામાં આવશે અને જેમની પાસે આ બધી વસ્તુ નહિ હોય તેમની પર કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં માટે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવશે.

રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button