જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ “સેનેટરી પેડ પરબ”
પાલનપુર, ગુજરાત:
ગુજરાતના “પેડમેન” તરીકે ઓળખાતા અને કલા શિક્ષક તરીકે સેવા આપતા નયન ચત્રારિયાએ પોતાના જન્મદિવસના પ્રસંગે એક અનોખી પહેલ કરી છે. પાલનપુરથી તેમણે રાજ્યનો સૌપ્રથમ “મફત સેનેટરી પેડ પરબ” શરૂ કર્યો છે.
જરૂરિયાતમંદ દીકરીઓ માટે અનોખો પ્રયાસ
નયન ચત્રારિયા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦થી ૧૪ વર્ષની ઉંમરની દીકરીઓને મફતમાં સેનેટરી પેડ વિતરણ સાથે માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક સમજ પણ આપી રહ્યા છે. અત્યાર સુધી તેમણે ઉત્તર ગુજરાતના ૪૭૬ ગામડાંની મુલાકાત લઈને ૭૬,૧૨૩થી વધુ દીકરીઓ સુધી પહોંચીને ત્રણ લાખથી વધુ પેડનું વિતરણ કર્યું છે.

જાહેર સ્થળે મફત ઉપલબ્ધતા
આ વખતે તેમણે પોતાના ઘર બહાર જાહેર સ્થળે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે, જ્યાં કોઈપણ દીકરી કે મહિલા જરૂર પડ્યે શરમ કે સંકોચ વિના મફતમાં સેનેટરી પેડ લઈ શકે. આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં માસિક સ્વચ્છતા અંગે ખુલ્લી ચર્ચા થવી જોઈએ અને દરેક દીકરીને જરૂરી સુવિધા સરળતાથી મળી રહે તે છે.
સમાજમાં પ્રેરણારૂપ વિચાર
પાલનપુરથી શરૂ થતી આ પહેલ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. સ્થાનિક સમાજ, આરોગ્યવિભાગ અને શિક્ષણજગત તરફથી આ અભિયાનને વિશાળ સમર્થન મળ્યું છે.
આગવી ક્રાંતિનો આરંભ
આ પ્રસંગે તબીબી તથા સામાજિક આગેવાનોની વિશેષ હાજરી રહી હતી. નયન ચત્રારિયા આગામી સમયમાં આ અભિયાનને ગુજરાતના અન્ય શહેરો અને ગામડાઓમાં ફેલાવવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે.
“સેનેટરી પેડ પરબ” માત્ર સેવા નહીં પરંતુ સ્વચ્છતા, આરોગ્ય અને સ્ત્રી સન્માન માટેની એક ક્રાંતિ છે, જેનો પ્રારંભ પાલનપુરથી થયો છે.



