વડોદરા સ્થિત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના સભાગૃહ ખાતે સેન્ટ્રલ જી.એસ.ટી. કમિશનરેટ, વડોદરા દ્વારા ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં CBIC, પોસ્ટ વિભાગ, બેંક ઓફ બરોડા, EPFO અને ઓવરસીઝ બેંક સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 120 યુવાનોને તેમની લાયકાતના આધારે નિમણૂક પત્રો આપવામાં આવ્યા.
આ રોજગાર મેળો દેશવ્યાપી “રોજગાર મેળા” અભિયાનનો હિસ્સો છે, જેના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ 47 સ્થળોએ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને આશરે 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો મળ્યા.
આ કાર્યક્રમમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવી નિયુક્તિ પ્રાપ્ત કરનાર યુવાનો યુવતિઓને નિમણૂક પત્રો વિતરણ કર્યા. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, “આજે નોકરી મેળવવા માટે મેરિટ અને લાયકાત મહત્વ ધરાવે છે. અગાઉ નોકરી મેળવવા માટે પધ્ધતિથી વગરના માર્ગો અપનાવાતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી વિકાસશીલ ભારત માં મેરિટ આધારિત રોજગારી વ્યવસ્થા ઉભી કરીને યુવાનોને રોજગારીની તકો આપવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં રોજગારીનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. 2004થી 2014 દરમિયાન જ્યાં માત્ર 3.2 કરોડ રોજગારીઓનું સર્જન થયું હતું, ત્યારે છેલ્લા દશકમાં 17 કરોડથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. દરેક મહિને સરેરાશ 12થી 15 લાખ નવી રોજગારીઓ સર્જાઈ રહી છે.
કાર્યક્રમમાં વડોદરાના મેયર શ્રીમતી પિંકી સોની, ધારાસભ્ય શ્રીમતી મનીષા વકીલ અને શ્રી યોગેશ પટેલ, ભૂતપૂર્વ સાંસદ શ્રી રંજન ભટ્ટ, જિલ્લાના કલેક્ટર, વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ CGST વડોદરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.




