સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ
મંગળા અને શણગાર આરતીમાં લાખો ભક્તોએ લીધો લ્હાવો
દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું
સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.12-04-2025ને શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે.

તારીખ 12ને શનિવારે શનિવારના ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે ૫:૧૫ કલાકે-શણગાર આરતી સવારે ૭:૦૦ કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી તથા પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક એવં અન્નકૂટ આરતી બપોરે ૧૧:૩૦ કલાકે કરવામાં આવેલ.વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યાં. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા.

આ દરમ્યાનમાં સવારે 7 વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપ્યો અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો.

આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમનાજી દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા માટે 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઈન્ટ કરવામાં આવી હતી. આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુરમાં પણ કરાવવામાં આવ્યું હતું. આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત 100 જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી. આ લોકોએ 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા. આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો.




