અમેરિકાના Florida રાજ્યમાં ભભૂકી ઊઠેલી જંગલ આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને Picayune Strand State Forest વિસ્તારમાં લાગેલી આ આગ 1,700 એકરથી વધુ જમીનને પોતાની ઝપેટમાં લઈ ચૂકી છે. સોમવાર બપોરથી શરૂ થયેલી આ બ્રશ ફાયર ઝડપથી ફેલાતી ગઈ છે અને હાલમાં એક માઈલથી વધુ વિસ્તાર સુધી લંબાઈમાં પ્રસરી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અગ્નિશામક દળો અને દક્ષિણ-પશ્ચિમ ફ્લોરિડાની અનેક રેસ્ક્યૂ ટીમો સતત દિવસ-રાત કામગીરી કરી રહી છે. ફોરેસ્ટ સર્વિસના જણાવ્યા મુજબ, આગનો ઉત્તર ભાગ મોટાભાગે કાબૂમાં આવી ગયો છે, પરંતુ દક્ષિણ વિસ્તાર હજુ પણ સક્રિય છે. રાત્રિના સમયે પણ ટીમોએ હોટસ્પોટ્સ પર કામ કરીને આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અત્યાર સુધીમાં 75થી વધુ રિસોર્સીસ અને એરક્રાફ્ટ દ્વારા 250થી વધુ વખત પાણીનો વરસાદ કરવામાં આવ્યો છે, છતાં તેજ પવન આગને વધુ ફેલાવા માટે જવાબદાર બની રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સુરક્ષા પગલાં તરીકે ખાલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. લગભગ 164 ઘરમાલિકોને પોતાના ઘરો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. બેનફીલ્ડ રોડ નજીકના વિસ્તારોમાં રહેતા લોકો તેમજ ઘોડા માલિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ Collier County ના કેટલાક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે આઉટડોર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ પ્રવૃત્તિઓ ઇન્ડોર રાખવામાં આવી રહી છે.
અમેરિકાના Florida માં ભભૂકી ઊઠેલી જંગલ આગે વિનાશનું ભયાનક રૂપ ધારણ કર્યું છે
હાલમાં આશરે 40 ટકા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ સૂકા હવામાન અને પવનની ગતિને કારણે સ્થિતિ હજુ પણ ગંભીર बनी રહી છે. પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે અને આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે ત્યાં સુધી અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઉનાળાનો કહેર ગુજરાતમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા માટે આ 5 ઘરેલું ઉપાયો અપનાવો
આ પણ વાંચો: શું હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકાની નાકાબંધી બાદ ચીન ઈરાન-યુદ્ધમાં ઝંપલાવશે?



