World

પહલગામ હુમલા બાદ છ આતંકીના ઠેકાણા ભારતીય સુરક્ષા દળો દ્વારા જમીનદોસ્ત

ભારત હવે પાકિસ્તાનની અવળચંડાઈ સ્હેજપણ નહિ ચલાવી લે તે નક્કી ..

જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનને એક મોટો સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું છે કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છીએ. વીડિયોમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતા તેમણે લખ્યું કે ભારતીય સેના માટે કોઈ પણ મિશન ખૂબ દૂર નથી. તેમણે કહ્યું કે એકતામાં તાકાત છે અને ભારતીય સેનાની હાજરી હેતુપૂર્ણ છે. સમુદ્રમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજોની તસવીરો સાથે, તેમણે લખ્યું કે મિશન તૈયાર છે. અમે તૈયાર છીએ, સેના ગમે ત્યારે, ગમે ત્યાં, કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે.

આ સાથેજ ભારતીય સેનાએ આતંકવાદીઓની કમર તોડવાનું શરૂ કરી દીધું છે. કુપવાડામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોઈબાના આતંકવાદી ફારૂક અહમદનું મકાન બ્લાસ્ટ કરી ઉડાવી દીધું છે. આતંકી અહમદ હાલ પાકિસ્તાનમાં છુપાયેલો છે અને તે ત્યાંથી આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. પહલગામ હુમલા બાદ સેના દ્વારા આ છઠ્ઠી કાર્યવાહી કરાઈ છે. ફારુક ઉપરાંત જે આતંકીઓના મકાનો જમીનદોસ્ત કરાયા છે, તેમાં અનંતનાગ જિલ્લાના થોકરપોરના આદિલ અહમદ થોકરનું, પુલવામાના મુર્રનમાં અહસાન ઉલ હક શેખ, ત્રાલના આસિફ અહમદ શેખ, શોપિંયાના ચોટીપોરાના શાહિદ અહમદ કુટ્ટે અને કુલગામના માટલહામાનો જાહિજ અહમદ ગનીનું મકાન સામેલ છે. સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, આતંક અને તેના સમર્થકો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે. સ્થાનિક લોકોને શાંતિ અને સહયોગ આપવાની પણ અપીલ કરવામાં આવી છે.

ભારતીય સુરક્ષા દળોની ટીમે પહલગામ હુમલામાં સામેલ હોવાની શંકા હેઠળ શુક્રવારે બે આતંકવાદીઓના ઘરો ધ્વસ્ત કર્યા છે. લશ્કર-એ-તોઈબાના આતંકી આદિલ હુસૈન થોકરનું બિજબેહડા સ્થિત મકાનને IED બ્લાસ્ટથી ઉડાવી દેવાયું છે. જ્યારે ત્રાલમાં આતંકી આસિફ શેખનું મકાન બુલડોઝરથી તોડી પડાયું છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ પોલીસે થોકર અને પહલગામ આતંકી હુમલાના જવાબદાર બે પાકિસ્તાની નાગરિકો અલી ભાઈ અને હાશિમ મૂસાને પકડવામાં મદદ કરનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ સાથે પોલીસે શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં ચારેતરફ સર્ચ ઓપરેશન કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button