પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે ઊર્જા સુરક્ષા, તેલ અને ગેસનો પુરવઠો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ રવિવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા હતા. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCOના 26મા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
SCOનું બે દિવસીય શિખર સંમેલન 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાયું છે. આ વર્ષે સંગઠને તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મધ્ય એશિયામાં યોજાઈ રહેલા આ મહત્ત્વના સમિટમાં ભારત સહિત અનેક દેશોના અગ્રણી નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર છે. બંને નેતાઓ વચ્ચે ઊર્જા સુરક્ષા અને તેલ-ગેસના પુરવઠા ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિ તેમજ રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.
રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રી મોદીએ SCO સમિટ દરમિયાન આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પાશિન્યાન સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પણ મુલાકાત કરીને વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીની મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી SCO લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. કિર્ગિઝ રિપબ્લિકના મંત્રીમંડળના અધ્યક્ષ આદિલબેક કાસિમાલિવે એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.
SCO સમિટ અંગે માહિતી આપતાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સમિટમાં સંગઠનના દસ સભ્ય દેશો, પંદર ભાગીદાર દેશો અને બે નિરીક્ષક દેશો ભાગ લઈ રહ્યા છે. આ મંચ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંવાદ અને સહયોગને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બિશ્કેક પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ ઉષ્માભરી મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને કિર્ગિઝ રિપબ્લિક વચ્ચેના મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ભારતીય સમુદાયના ઉત્સાહ અને તેમના મૂલ્યવાન યોગદાનની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો : ભારત માટે ડબલ ખુશખબર: રશિયા આ વર્ષે જ આપશે બાકીના બે S-400, ‘બોડીગાર્ડ’ પેન્ટસિરની પણ ઓફર
આ પણ વાંચો : દુશ્મનો સાવધાન! રશિયાથી ભારત આવી રહ્યું છે ચોથું S-400 ‘સુપર વેપન’, પાકિસ્તાન બોર્ડર પર થશે તૈનાત



