પ્રવર્તમાન સમયમાં માનસિક તણાવ અને નબળા આત્મવિશ્વાસના કારણે આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે કે આ ગંભીર સમસ્યાને રોકી શકાય. ત્યારે હાલ 104 હેલ્પલાઈન પ્રોજેક્ટના માધ્યમથી આત્મહત્યા નિવારણ માટે સહાયરૂપ થવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અંતઃકરણ નાં દુઃખને અવાજ આપતી ફિલ્મ એટલે ‘Call-104’. આ જ વિષયને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલી નવી ગુજરાતી ફિલ્મ ‘Call-104’ આત્મહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યાને સ્પર્શે છે. ફિલ્મ નું પ્રીમિયર ૩૧ જુલાઈ ૨૦૨૫ ના રોજ ગુજરાતના C.M ની ઉપસ્થિતિ માં યોજાશે. આ ફિલ્મ ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું મુખ્ય ઉદ્દેશ છે કે 104 હેલ્પલાઈન વિશે લોકજાગૃતિ વધારવી અને લોકોને સમયસર યોગ્ય સહાય મળી રહે એ સુનિશ્ચિત કરવું. 108 જેવી જાણકારીઓ જેવી રીતે દરેક નાગરિક સુધી પહોંચેલી છે, તેવી જ રીતે 104 વિશે પણ માહિતી પ્રસરે તે માટે ફિલ્મ એક મજબૂત માધ્યમ બનશે.
ભારત સરકારના આત્મહત્યા નિવારણ મિશન પરથી પ્રેરિતરાજુ પટેલ (જય વિઝન ) દ્વારા પ્રસ્તુત તથા જય પટેલ નિર્મિત અને સહ નિર્માતા સુરેશ પટેલ તથા અશોક પટેલ અને ભાવેશ ગોરસિયા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના અનુભવી ધર્મેશ વ્યાસે ખુબજ પ્રભાવશાળી અને ખૂબ સારો રોલ નિભાવ્યો છે સાથે સમર્થ શર્મા, જીજ્ઞેશ મોદી, અર્ચન ત્રિવેદી, ભરત ઠક્કર, મોરલી પટેલ,જૈમિની ત્રિવેદી,પિયુષ ખંડેલવાલ, ઋરૂક દવે જેવા નામાંકીત કલાકારોએ પ્રભાવશાળી અભિનય કર્યો છે.
ક્રિએટિવ દિગ્દર્શક છે રાજુ પટેલ અને જય પટેલ સાથે આ ફિલ્મની સિનેમાટ્રોગ્રાફી કરી છે અન્નુ પટેલ (વિરલ) અને સુમધુર સંગીત થી મઢયું છે આસિફ ચંદવાની અને સ્વ.મયુર નાડિયાએ.
આ ફિલ્મના ગીતો માં કિર્તીદાન ગઢવી, રાકેશ બારોટ, જીગ્નેશ કવિરાજ જેવા પ્રખ્યાત લોક ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે.
ફિલ્મમાં એક ખાસ રેસ્ક્યુ ટીમની વાર્તા દર્શાવવામાં આવી છે, જે માનસિક આરોગ્યના નિષ્ણાતો, તાત્કાલિક સેવા પ્રદાતાઓ અને પોલીસની સહાયથી જીવન બચાવવાના પ્રયત્નોમાં જોડાયેલી છે.
જીવનનું મૂલ્ય અને માનવતા સામે પ્રતિબદ્ધતા
‘Call-104’ નેભાનકિક રીતે સંવેદનશીલ સંવાદ, સમયસરની કાર્યવાહી અને માનવ જીવનના મૂલ્ય પર ભાર મૂકે છે. ફિલ્મ આશાવાદી દ્રષ્ટિકોણ અને જીવદયાને ઉજાગર કરતી હતી. ખાસ કરીને તે લોકો માટે એક આશાની કિરણ પુરવાર થઈ શકે છે, જે જીવનમાં મુશ્કેલીઓથી તૂટી પડેલા હોય.
એક નવો સંદેશ, એક નવી શરૂઆત
આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ એ આપણી આજુબાજુના પ્રશ્નોને સમજવાનો અને સકારાત્મક રીતે ઉકેલવા માટેનો પ્રયાસ છે. ‘Call-104’ સમાજમાં જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો સંદેશ આપે છે અને આત્મહત્યાની અટકથામણ માટે જનજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ ધરાવે છે.આશા છે કે ‘Call-104’ માત્ર એક ફિલ્મ નહીં રહે, પણ એક ચળવળ બની સમાજને નવી દિશા આપશે.




